જુલાઈ 31, 2023

ભૂત કાળ માં કરેલા પાપ ને કેવી રીતે સુધારી શકાય...

દરેક માણસનું સ્વકર્મ - નિયત કર્મ નક્કી થયેલું હોય છે. બાળક જન્મતાંની સાથે જ પોતાનું સ્વકર્મ - સ્વધર્મ જાણે છે. તે ભૂખ્યું થાય ત્યારે કઈ જગ્યાએ ધાવતું, કેવી રીતે ધાવવું, કેવી રીતે દૂધ ચૂસવું તે બરાબર જાણે છે અને તેની પાછળ પરમાત્માની અલૌકિક પ્રે૨ણાનું બળ હોય છે. માતા તો ફક્ત પોતાનું સ્તન બાળકના મોંમાં મૂકે છે, પરંતુ દૂધ ચૂસવાનું -ધાવવાનું ,સ્વકર્મ - સ્વધર્મ તરતનું જન્મેલું બાળક પણ પરમાત્માની પ્રેરણાથી જાણે છે અને તે પ્રમાણે તે પોતાનું નિયત કર્મ સ્વભાવને વશ વર્તીને કરે છે. તેમાં માતાએ શીખવવાની જરૂ૨ પડતી નથી. ઘોડાને તરસ લાગી હોય ત્યારે કેવી રીતે પાણી પીવું તે પોતાનું સ્વકર્મ - સ્વધર્મ જાણે છે અને જો તેને તરસ નહીં લાગી હોય તો તમે તેને પરાણે પાઈ શકશો જ નહિ.
તમે ઘોડાને નદીમાં લઈ જઈ શકો છો, પણ તમે તેને પીવડાવી શકતા નથી.
તે જ પ્રમાણે બાલ્યાવસ્થામાં ભણવું માણસનું સ્વકર્મ - નિયત કર્મ - સ્વધર્મ છે. ગૃહસ્થાશ્રમમાં નોકરી, ધંધો, વેપાર કરીને ન્યાયનીતિથી દ્રવ્યનું ઉપાર્જન કરવું, સ્ત્રી-પુત્રાદિકનું પાલનપોષણ કરવું અને સમાજના અન્ય આશ્રમવાસીઓની સેવા કરવી તે તેનું નિયત કર્મ છે. એવી જ રીતે વાનપ્રસ્થ અને સંન્યાસીનાં સ્વકર્મ, સ્વધર્મ, નિયત કર્મ નક્કી થયેલાં છે અને તેમણે તે-તે સ્વધર્મ, સ્વકર્મ નિષ્ઠાપૂર્વક ઈશ્વપ્રીત્યર્થ કરવાનાં છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્રના પણ સ્વધર્મ શાસ્ત્રોમાં નિયત થયેલા છે.
માતા-પિતા, પુત્ર, પતિ-પત્ની દરેકે પોતપોતાની મર્યાદામાં રહીને સ્વકર્મ, સ્વધર્મ, નિયત કર્મમાં વિક્ષેપ કરવાનો નથી અગર તો પોતાનો સ્વધર્મ બદલવાનો નથી.
શિયાળામાં ગરમ કપડાં પહેરવાં તે સ્વધર્મ છે. ઉનાળામાં ઠંડક રહે તેવો આહાર કરવો, ઠંડક રહે તેવાં કપડાં પહેરવાં તે સ્વધર્મ છે. ચોમાસામાં છત્રી ઓઢવી તે સ્વધર્મ છે. સવારમાં દાતણ કરવું, શૌચક્રિયા કરવી, બપોરે નોકરી-ધંધો-વેપાર વગેરે નિયત કર્મ કરવાં, રાત્રે ભગવત્સ્યરણ વગેરે કરવું - આવી રીતે દરેક ઋતુમાં, સમયમાં, કાળમાં અવસ્થામાં સ્વધર્મ બદલાતો જાય તે પ્રમાણે દેશ, કાળ, પરિસ્થિતિનો ખ્યાલ રાખીને દરેક માણસે પોતાનાં સ્વધર્મ - સ્વકર્મ - નિયત કર્મ અવશ્ય કરવાં જોઈએ.
પરંતુ સ્વ કર્મ છોડી ને જો પાપ કર્મ કર્યું તો પાપ કર્મ છોડ છે નહી અને જો પાપ કરવું જ હોય તો જાહેર માં કરો અને- પુણ્ય ચોરી છૂપી થી કરો ચોરી એક કળા છે. નૈતિકતાની દૃષ્ટિએ વિચાર ના કરીએ તો ચોરી એક જબરદસ્ત અઘરી કળા છે. ચોરીનો અર્થ એ છે કે એવી રીતે કાંઈક કરવું કે સંસારમાં ક્યાંય કોઈને કશી પણ ખબર ના પડે. ખબર પડી જાય તો ચોર ડફોળ કહેવાય.
      મારા ઘરમાં ચોર પેસે છે. ધોળા દિવસે પુષ્કળ અજવાળામાં પણ જે ચીજ મને ખોળવી મુશ્કેલ પડે તે રાત્રે અંધારામાં અને તે પણ અજાણ્યા ઘરમાં જરા પણ અવાજ કર્યા વગર ચોર તે વસ્તુને ખોળી કાઢે છે અને મને તેની ખબર પણ પડતી નથી અને જો ચોર કદાચ તેની કશીક નિશાની મૂકતો જાય ચોર હજુ કાચો છે - શિખાઉ છે તેમ ગણાય. હજુ તે પાકો ચોર ન ગણાય.
એવી જ રીતે પરમાત્માનો પ્રકાશ - જ્ઞાન મેળવવું તે પણ એક પ્રકારની અલૌકિક ચોરી છે. જો કોઈને ખબર પડી જાય કે તમે સત્યની ખોજમાં છો તો તે ખબર પડી જવી તે પણ સત્યની ખોજમાં બાધકરૂપ છે.
જિસસ ક્રાઈસ્ટ કહે છે કે તમારો ડાબો હાથ શું કરે છે તેની તમારા જમણા હાથને પણ ખબર ન પડવી જોઈએ અને તમારી પ્રાર્થના પણ એટલી. મૂક હોવી જોઈએ કે પરમાત્મા સિવાય બીજા કોઈને તે સંભળાય નહિ.
આપણી પ્રાર્થનાઓ તો પરમાત્માને સંભળાતી હશે કે કેમ, પરંતુ આડોશપાડોશમાં અને મહોલ્લામાં તો સંભળાતી હોય છે. કદાચ પરમાત્માને સંભળાય કે નહિ તેની આપણને કંઈ પડી નથી, પરંતુ પાડોશી સાંભળે તે ખાસ જરૂરી અને ઉપયોગી છે તેવું માનીને આપણે જોરશોરથી અને ઊંચા અવાજે બરાડા પાડીને પ્રાર્થના ગાઈએ છીએ. માણસ ધર્મ-પુણ્ય ઢોલ વગાડીને કરે છે અને અધર્મ-પાપ ચોરીછૂપીથી કરે છે.
સંતો અને શાસ્ત્રો કહે છે કે જેમ તમે પાપ ચોરીછૂપીથી સંતાઈને કરો છો તેવી રીતે ધર્મ-પુણ્ય પણ છાનામાના ચોરીછૂપીથી કરો. સંતો અને શાસ્ત્રો આ ઊંધી વાત કરતા હોય તેમ લાગે છે, પણ તે ઊંધી વાત નથી. તે બરાબર કહે છે કે પાપ ઉઘાડેછોગ કરો અને પુણ્ય ચોરીછૂપીથી કરો, કારણ કે પાપ જો તમે ઉઘાડેછોગ કરવા જશો તો તમે કદાપિ નહિ કરી શકો.
જે તમારે નથી કરવું છતાં કર્યું તેમ દેખાડો કરવો છે તે તમે ઢોલ વગાડીને જગજાહેર કરો છો અને જે તમારે ખરેખર કરવું જ છે તે તમે ચોરીછૂપીથી - કોઈને પણ ખબર ના પડે તેવી રીતે એકદમ કરી નાખો છો અને આમ કરવામાં જ તમે ગોથું ખાઓ છો.
તમારે પાપ ખરેખર ના કરવું હોય તો તમે તે પાપ ઉઘાડેછોગ કરવા માંડો તો તમે તે પાપ કરી શકશો જ નહિ અને તમારે પુણ્ય પણ ખરેખર ના કરવું હોય અને માત્ર ધોખાબાજી કરવી હોય તો તે પણ તમે ઉઘાડેછોગ કરો અને પછી જુઓ કે તમે લોકોને મૂર્ખ બનાવી શકશો, ડોળ કરી શકશો, પરંતુ તે સાચા અર્થમાં પુણ્ય નહીં કહી શકાય. પરંતુ લોકો જાણે કે તેમને પાપ કરવું જ છે, તેથી તે ચોરીછૂપીથી કરી લે છે. જ્યારે તેમને પુણ્ય કરવું નથી, માત્ર પ્રચાર કરવો છે, દંભ-ડોળ કરવો છે તેથી તે ઢોલ વગાડીને જગજાહેર કરે છે.
    પાપ અગર પુણ્ય જાહેર થતાંની સાથે જ તેનું ફળ તિરોહિત થઈ જાય છે 
તમે જે પુણ્ય કરો, દાન-સખાવત કરો અને પછી તેની જાહેરાત થાય, તમારો ફોટો અને વખાણ છાપામાં પ્રસિદ્ધ થાય, તમારા નામની તકતી લાગે, તમારાં પુણ્યકર્મ પ્રસિદ્ધ થાય કે તરત જ તેન ફળ ખતમ થઈ જાય. તે પુણ્યકર્મનું ફળ તમારાં વખાણ, ગાથા વગેરેના રૂપમાં તમને તાત્કાલિક મળી જાય અને પછી તે કર્મ વળી પાછું ફરીથી સંચિતમાં જમા થઈને પ્રારબ્ધ બનીને બીજી વખત ફળ આપવા - સુખ આપવા ઊભું રહે નહિ.
આ વાત તમે મગજ માં નાખી દો અને આ પુણ્ય તમને જરાય કામ નહી આવે ... ઉ. દા જુવો
‘. મહાભારત’માં યયાતિ રાજાની વાર્તા આવે છે. આ રાજાએ અસંખ્ય યજ્ઞ, દાન, તપ વગેરે પુણ્યકર્મો કર્યાં, જેના પ્રભાવે કરીને તે ઇન્દ્રની ગાદીએ બેસવાનો અધિકારી થયો, તેથી તે રાજા સ્વર્ગમાં ઇન્દ્રના દરબારમાં ગયો. ઇન્દ્ર ઊભો થઈ ગયો અને સિંહાસનથી હેઠો ઊતરી ગયો અને યયાતિ રાજાને ઇન્દ્રની ગાદીએ બેસાડ્યા. ઇન્દ્ર પોતે સિંહાસનથી નીચે ઊભો રહીને બે હાથ જોડીને રાજાએ કરેલાં યજ્ઞ, દાન,તપનાં વિગતવાર યશોગાન ભરસભામાં કરવા લાગ્યો. ઇન્દ્રે કહ્યું : “રાજન્ ! તમે અનેક હીરામાણેક અને મોતીનાં દાન કર્યાં છે.”
રાજાએ હકારમાં સંમતિસૂચક માથું હલાવ્યું. ઇન્દ્રે કહ્યું : “રાજન્ ! તમે સુવર્ણમહોરનાં દાન કર્યાં છે. તમે અસંખ્ય સોનાનાં શિંગડાંવાળી દુધાળી ગાયોનાં દાન કર્યાં છે. તમે અસંખ્ય વાવ, કૂવા, તળાવો, ધર્મશાળાઓ, વિશ્વવિદ્યાલયો, દવાખાનાં બંધાવ્યાં. તમે અસંખ્ય ધર્મક્ષેત્રો અને અન્નક્ષેત્રો ખોલ્યાં. તમે તમામ ગરીબોને અન્નવસ્ત્ર ભરપેટ આપ્યાં, જેથી તમારા રાજ્યમાં હવે કોઈ ગરીબ અને નિરક્ષર નથી. તમે અનેક યજ્ઞો કરાવ્યા અને ગૌબ્રાહ્મણ, ઋષિમુનિઓ, સંતોને ખૂબ સંતુષ્ટ કર્યા.” વગેરે વગેરે...
આવી રીતે રાજાએ કરેલા એકએક પુણ્યકર્મને ઇન્દ્ર ઊભાઊભા વિગતવાર ગણાવતા ગયા અને રાજા ઇન્દ્રની ગાદી ઉપર બેઠોબેઠો અહંકારમાં સંમતિસૂચક માથું હલાવતો ગયો. આવી રીતે રાજાનાં તમામ પુણ્યનું પૂરેપૂરું વર્ણન થયું અને રાજાએ સતત માથું હલાવતાં તમામ પુણ્યકર્મોની જાહેરાત - કબૂલાત કરી કે તરત જ ઇન્દ્રે રાજાને કહ્યું કે “આપ મહારાજા હવે ઇન્દ્રની ગાદી ઉપરથી હેઠે ઊતરી જાઓ, કારણ કે આપનાં તમામ પુણ્યકર્મ જાહે૨ થઈ ગયાં, એટલે હવે તે તમામ પુણ્યકર્મનાં ફળ ખતમ થઈ ગયાં, માટે હવે તમે ઇન્દ્રની ગાદી ઉપર બેસવાના અધિકારી મટી ગયા છો. તમારાં પુણ્યકર્મના ફળ- સ્વરૂપે ઇન્દ્રની ભરીસભામાં તમારી વાહવાહ બોલાઈ ગઈ. તમારાં ખૂબખૂબ વખાણ - ગુણગાન ગવાઈ ગયાં તે જ તમારાં પુણ્યોનું ફળ તમને મળી ગયું અને તે રીતે પુણ્યકર્મ તમને તાત્કાલિક ફળ આપીને શાંત થઈ ગયાં. હવે તે કર્મો સંચિતમાં જમા થવાનાં રહ્યાં નહિ અને પ્રારબ્ધ બનીને તે કર્મો તમને ફરીથી ફળ આપવા આવશે નહિ.'જો પુણ્ય કર્મ જાહેર કરવાં માં આવે તો તેનું ફળ સમાપ્ત થતું હોય તો પાપ કર્મ તમે જાહેર કરી જુવો તમારા પાપ કર્મ પણ સમાપ્ત થઇ જશે...આમ પાપકર્મ ને જો તમે જાહેરાત કરો તો તે પણ ખતમ - તિરોહિત થઈ જાય.. ઉ.દા જુવો
. મહાત્મા ગાંધીજીએ નાનપણમાં જે પાપકર્મો કર્યાં - પટાવાળાની બીડીઓનાં ઠૂંઠાં ફૂંક્યાં, માંસ ખાધું, વેશ્યાને ઘેર ગયા, બાપના ખિસ્સામાંથી ચોરી કરી, બાપના મૃત્યુની છેલ્લી ઘડીઓ ગણાતી હતી તે વખતે પણ વિકારને વશ થઈને પત્ની સાથે સહશયન કર્યું વગેરે જે પાપકર્મો તેમણે કરેલાં તે તમામ તેમણે તેમની આત્મકથામાં કબૂલાત કરીને જગજાહેર કર્યાં, એટલે તેમનાં તે પાપકર્મોનું ફળ નષ્ટ - તિરોહિત થઈ ગયું. તેવી રીતે ઠક્કરબાપા, ભિક્ષુ અખંડાનંદ વગેરે સંતોએ પણ પોતે પરસ્ત્રીગમન કર્યાંનાં પાપકર્મોનું તેમની જીવનકથામાં હિંમતપૂર્વક નિખાલસભાવે વર્ણન કરેલું છે. તે રીતે તેઓ તે પાપકર્મનો પશ્ચાત્તાપ કરીને તેના અશુભ ફળથી મુક્ત થયા છે અને તેમના હૃદયનો ભાર મનોવ્યથા ભોગવીને હળવો કરેલો છે.
મહર્ષિ વ્યાસે જાહેર કર્યું કે મારી મા હલકી વર્ણની માછીમારની છોકરી હતી. તેમણે કદાચ એમ જાહેર કર્યું હોત કે મારી મા ભાવનગરના કોઈ નાગરની કન્યા હતી તોપણ કોણ તેમને ખોટા ઠરાવવાનું હતું ? નારદજીએ શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે કે મારી મા સંન્યાસીઓના આશ્રમમાં લૂગડાં-વાસણ ધોવાનું અને કચરોપૂંજો કાઢવાનું કામ કરતી હતી અને સંન્યાસીઓનું એઠું-જૂઠું ખાતી હતી. મહાન પુરુષોએ - સંતોએ પોતાની એબ ચોખ્ખા હૃદયથી જાતે કરીને હિંમતપૂર્વક ઉઘાડી કરી છે અને તેમાં તેમણે લોકનિંદાની કોઈ પરવા કરી નથી, પરંતુ તેમાં તેમણે સાચી વાતની રજૂઆત હિંમતપૂર્વક કરી છે અને તેથી જ સંસારમાં કોઈ તેમની નિંદા કરવાની હિંમત કરી શકતું નથી. જ્યારે આપણે તો પાપકર્મ સંતાડ-સંતાડ કરીએ છીએ અને તેથી જ આપણે ચોરીછૂપીથી કરેલાં પાપનાં ફળ રોતેરોતે ભોગવીએ છીએ. 
દુનિયા નું દેખીતું અને સત્ય ઉ.દા પણ જુવો..

સતી રાણી તોરલ જેસલ જાડેજાને કહે છે કે : પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાળ રે
તારી હોડલીને બૂડવા નહીં દઉં જાડેજા રે એમ તોરલ કહે છે જી. અને જેસલ જાડેજા પણ પોતાનાં પાપ જાહેર કરતાં કહે છે કે : લૂંટી કુંવારી નાર સતી રાણી, લૂંટી કુંવારી નાર રે
વન કેરાં મોરલા મારિયા તોરલદે રે
એમ જેસલ કહે છે જી. જેટલા માથાના વાળ સતી રાણી, જેટલા માથાના વાળ રે તેટલાં કુકર્મો મેં કર્યાં તોરલદે રે એમ જેસલ કહે છે જી.
વગેરે વગેરે.
આમ તમામ પાપ કર્મ જેને સતી તોરણ સામે જાહેર કર્યા અને તેના પાપ ધોવાયા..
માણસમાત્ર ભૂલને પાત્ર છે. અનેક જન્મજન્માંતરની વાસનાઓ અને કામનાઓ અંતઃકરણના પટ ઉપર લેપાયેલી પડેલી છે, તેના જોરથી કદાચ માણસ ઘોર પાપકર્મો કરી બેસે, પરંતુ જો તે તેના ખરા અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરીને ભગવાન સામે બે હાથ જોડીને ઊભોઊભો નાનું બાળક રડે તેમ ધ્રુસકે ને ધ્રુસકે આંખોમાંથી ડબકડબક આંસુ નીકળતાં હોય તેમ પોક મૂકીને રડી પડે તો ભગવાન તેની જીવનનૌકાને સંસારસાગરમાં ડૂબકાં ખાતી અચૂક બચાવી લે. ભગવાને એક લાખ રૂપિયાના સ્ટૅમ્પ ઉપર દસ્તાવેજ લખાણ કરી
આપીને ગીતામાં છાતી ઠોકીને હિંમત આપતાં કહ્યું છે કે : અપિ ચેત્ સુદુરાચારઃ ભજતે મામ્ અનન્યભાગ્। સાધુરેવ સ મંતવ્યઃ સમ્યગ્ વ્યવસિતો હિ સઃ II ક્ષિપ્રં ભવતિ ધર્માત્મા શશ્વત્ શાંતિ નિગચ્છતિ । કૌન્તેય પ્રતિજાનીહિ ન મે ભક્તઃ પ્રણશ્યતિ || તેષાં અહં સમુદ્ધર્તા મૃત્યુસંસારસાગરાત્ । ભવામિ ન ચિરાત્ પાર્થ મય્યાવેશિતચેતસામ્ ।। (ગી. મહાનમાં મહાન પાપી પણ મારી આગળ પાપનો પશ્ચાત્તાપ કરીને રડી પડે તો હું તેને તાત્કાલિક સંસારસાગરમાં ડૂબતો બચાવી લઉં છું. તેનો હું નાશ થવા દેતો નથી. આવી હિંમત ભગવાન સિવાય બીજું કોણ આપી શકે ?
માળા નહિ ફેરવીએ, રામનામ ના લઈએ, ચંડીપાઠ ના કરીએ, ગીતાનું પારાયણ ન કરીએ, ભાગવત સપ્તાહ ના સાંભળીએ તો ચાલે, પરંતુ માત્ર આપણે પોતે અત્યાર સુધી કરેલાં તમામ પાપોનું એક લિસ્ટ આપણે જાતે બનાવીએ (કારણ કે આપણે કરેલ એકેએક પાપ આપણા સિવાય બીજું કોઈ જાણતું નથી.) અને તે પાપોનું લિસ્ટ ભગવાનની પાસે બેસીને ઊંડા પશ્ચાત્તાપ સાથે દરરોજ વાંચી જઈએ તો પવિત્ર થઈ જઈએ. પરંતુ આપણે હિક્કડ હૈયાના આટલું કરવા તૈયાર નથી. માત્ર માળા ફેરવવાનો, પારાયણ કરવાનો દંભ કરીને દુનિયાને ઠગવા નીકળ્યા છીએ અને તેથી જ હસતાં-હસતાં કરેલાં પાપકર્મના ફળરૂપે દુઃખ રોતાં-રોતાં પેટ ભરીને ભોગવીએ છીએ.....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Prem ni shodh ma/dhaashu news

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai 8401523670 વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા....