જુલાઈ 29, 2023

કારેલા કર્મ ભોગવવા પડે

. કરેલાં કર્મો ભોગવવાં જ પડે ઃ

કર્મ કર્યું કે તેનું ફળ ચોટ્યું જ સમજી લો. પછી તમે ફળ ભોગવવામાંથી છટકી શકો જ નહીં છટકવા ગમે તેટલા ઉધામા કર્યો તોપણ ફળ ભોગવ્યા સિવાય કર્મ શાંત થાય નહિ, તમારી પાછળપાછળ ફળ ભમ્યા કરે, ભોગવીને જ છુટકારો કરે. કદાચ તમે બુદ્ધિશાળી હો અને આ દુનિયાની કૉર્ટમાંથી સારા વકીલ રોકીને છટકો, પણ ઉપલી સુપ્રિમ કૉર્ટ - કુદરતની કૉર્ટ તમને ઝાલી પાડે, છોડે નહિ. ત્યાં કોઈ વકીલની દલીલ કે સિફારસ ના ચાલે.

ઘણાં વર્ષ પહેલાંની વાત છે. અમદાવાદમાં એક પ્રખર વિદ્વાન સેશન્સ જજ હતા. જાતે નાગર બ્રાહ્મણ અને ચુસ્ત વેદાંતી. કર્મના કાયદાના અઠંગ અભ્યાસી, સાબરમતી નદી પાસે રહેતા હતા. એક સવારે પરોઢિયે મળસકામાં થોડા અંધારામાં નદીના વાંઘામાં

કુદરતી હાજતે જવા બેઠેલા. ત્યાં નજીકમાંથી એક માણસ દોડતો હતો.

તેની પીઠમાં પાછળથી આવતા માણસે ખંજરનો ઘા કર્યો એટલે

આગળનો માણસ ઢળી પડ્યો અને તત્કાળ મૃત્યુ પામ્યો. આ દૃશ્ય જજે

નજરોનજર - પ્રત્યક્ષ જોયું. ખૂની ભાગી ગયો, તેને પણ સેશન્સ જજે

બરાબર ઓળખી લીધો.

સેશન્સ જજ ઘેર આવ્યા, પણ આ બનાવની કોઈને કશી વાત કરી નહિ, કારણ કે આ ખૂનનો કેસ છેવટે તો તેમની કૉર્ટમાં જ આવવાનો હતો. પછી પોલીસ ઇન્ક્વાયરી શરૂ થઈ. છ મહિનામાં સંપૂર્ણ ઇન્ક્વાયરી પૂરી થઈ. ખૂનનો કેસ દાખલ કર્યો. સેશન્સ જજે જોયું તો ખરેખરો ખૂની તેમણે તે દિવસે પ્રત્યક્ષ જોયો હતો તેને બદલે કોઈ બીજા જ ભળતા માણસને પોલીસે તહોમતદાર તરીકે રજૂ કરેલો !

પછી કેસ ચાલ્યો, જડબેસલાક પુરાવા પડ્યા અને બનાવટી તહોમતદાર ખરેખર ખૂની સાબિત થયો. સેશન્સ જજ ચોક્કસ જાણતા હતા કે આ બનાવટી તહોમતદાર ખરેખર ખૂની નથી, પણ પુરાવાના  કાયદા મુજબ ન્યાયાધીશે પુરાવાના આધારે જજમેન્ટ આપવું પડે. તેમાં ન્યાયાધીશનો પોતાનો અનુભવ કામ લાગે નહિ. એટલે બનાવટી તહોમતદારને સજ્જડ પુરાવાના આધારે ખૂની ઠરાવીને ફાંસીની સજા ફરમાવવાની સેશન્સ જજને ફરજ પડે તેમ હતું, પરંતુ આ સેશન્સ જજ પ્રખર વેદાન્તી અને ઈશ્વરના કર્મના કાયદાના પાકા અભ્યાસી હતા. તેમને લાગ્યું કે ખરો ખૂની છટકી જાય છે અને નિર્દોષ બનાવટી તહોમતદાર માર્યો જશે, એટલે કૉર્ટમાં ખૂનની સજાનો હુકમ ફરમાવતાં પહેલાં સેશન્સ જજે પેલા બનાવટી તહોમતદારને પોતાની ચેમ્બરમાં બોલાવ્યો.

બનાવટી તહોમતદાર રડી પડ્યો અને કહ્યું કે હું તદ્દન નિર્દોષ છું, મેં ખૂન કર્યું નથી અને હું ખોટો માર્યો જાઉં છું, કારણ કે પોલીસને સાચો ખૂની જડ્યો નહિ, તેથી મને પહેલાંના મારા ખાનગી અહેવાલોના આધારે પોલીસે મને પકડીને મારી વિરુદ્ધ સજ્જડ પુરાવો ઊભો કરી દીધો છે અને કૉર્ટની દૃષ્ટિએ કાયદા મુજબ હું ખૂની પુરવાર થયો છું.

સેશન્સ જજે કહ્યું કે આ હકીકત હું બરાબર જાણું છું. સાચો ખૂની મેં નજરોનજર જોયો છે, તેને હું ઓળખું છું અને તું નિર્દોષ છે તે પણ હું બરાબર જાણું છું, પરંતુ મારા જજમેન્ટમાં હું આ વાત કાયદેસર લાવી શકતો નથી. કાયદો પુરાવાના આધારે ચાલે છે અને પુરાવો સંપૂર્ણ રીતે તારી વિરુદ્ધ પડેલો હોવાથી હું તને કાયદેસર ખૂની ઠરાવીને ફાંસીની સજા કરીશ, પરંતુ ઈશ્વરે બનાવેલ કર્મના કાયદામાં ક્યાંક ગફલત તો નથી થઈ ને ? - તેની ખાતરી કરવા હું તને ખાનગીમાં એક સવાલ પૂછું તેનો તું મને બિલકુલ સાચો જવાબ આપજે. હવે મરતી વખતે જરા પણ જૂઠું બોલીશ નહીં. મારો સવાલ એ છે કે ભૂતકાળમાં તેં કોઈ વખત કોઈનું ખૂન કરેલું ખરું ?

બનાવટી તહોમતદારે ગળગળા સાદે ઈશ્વરને માથે રાખીને સાચેસાચું કહી દીધું કે મેં ભૂતકાળમાં બે ખૂન કરેલાં અને તેના કેસ ચાલેલા, પરંતુ તે વખતે મેં હોશિયાર વકીલો રોકેલા અને ખૂબ પૈસા પોલીસખાતામાં વેરેલા તેથી હું બંને કેસોમાં તદ્દન નિર્દોષ છૂટી ગયેલો, પરંતુ આ કેસમાં હું ખરેખર નિર્દોષ હોવા છતાં માર્યો જાઉં છું. સેશન્સ ને ગડ બેસી ગઈ કે ઈશ્વરના કર્મના કાયદામાં ક્યાંય ગફલત નથી. પહેલાં બે ખૂન વખતે તહોમતદારનું પુણ્ય તપતું હશે, તેથી તેનાં ક્રિયમાણ કર્મોને ફળ આપવામાં વાર લાગી અને તે કર્મ સંચિતમાં જમા રહ્યું અને હવે જ્યારે તેનું પુણ્ય પરવારી રહ્યું ત્યારે પાછલાં બે ખૂનના ફળસ્વરૂપે તે સંચિત કર્મ પાક્યાં અને આ કેસમાં નિર્દોષ હોવા છતાં અક્કર-ચક્કરમાં ઝડપાઈ ગયો અને સંચિત કર્મો પાકીને પ્રારબ્ધરૂપે તેની સામે ઊભાં રહ્યાં ને એને ફાંસીને માંચડે લટકાવી દીધો.

કર્મના કાયદામાં વકીલ - જજની હોશિયારી કે સિફારસ ચાલે નહિ. કદાચ પુણ્ય તપતું હોય અગર ક્રિયમાણ કર્મ પાકતાં વાર લાગે તે દરમિયાન જગતની દૃષ્ટિએ ગુના કરવા છતાં ફાવી જતો લાગે, પણ સંચિત કર્મો લાગ આવ્યે પાકીને પ્રારબ્ધ થઈને સામાં આવે જ અને ફળ અપાવીને જ શાંત થાય.

માટે કર્મ કરતાં પહેલાં હજાર વખત વિચાર કરવો જોઈએ. કર્મ થઈ ગયા પછી તેના ફળમાંથી છટકવા ખોટાં ફાંફાં મારવાં નહિ, પરંતુ જ્યારે તે કર્મ પાકીને પ્રારબ્ધ થઈને સામું આવે ત્યારે તેને સામી છાતીએ સહર્ષ ઝીલી લેવું અને ભોગવી લેવું, નહિ તો હસતે-હસતે કરેલાં પાપ રોતે-રોતે પણ ભોગવવાં પડશે જ.

રાજા પરીક્ષિત મહાજ્ઞાની, વિદ્વાન અને સંસ્કારી હતો, પરંતુ તેનાથી એક મહાન પાપ થઈ ગયું. ક્રોધના આવેશમાં એક નિરપરાધી ઋષિના ગળામાં એણે મરેલો સાપ પહેરાવી દીધો. રાજા ઘેર આવીને શાંત થતાં જ તેને તેના દુષ્કૃત્યનો ખ્યાલ આવી ગયો અને તે પોકારી ઊઠ્યો :

અહો મયા નીચમનાર્યવત્ કૃતમ્ । નિરાગસિ બ્રહ્મણિ ગૂઢતેજસ ||

અરેરે ! મારાથી ભયંકર નીચ કર્મ થઈ ગયું.' આ ક્રિયમાણ કર્મના ફળસ્વરૂપે તક્ષક નાગના કરડવાથી મરણ પામવાનું તેનું પ્રારબ્ધ નિર્માણ થયું, પરંતુ આ ફળ ભોગવવામાંથી છટકવા તેણે લાગવગ લગાડવાનો અગર તો પોતાની સત્તાનો ઉપયોગ કરવાનો જરા પણ પ્રયાસ ન કર્યો. તેણે ભગવાનને એવી પ્રાર્થના ન કરી કે હે ભગવાન શ્રીકૃષ્ણ ! મારો દાદો અર્જુન અને તમે બંને મામા-ફોઈના દીકરા ભાઈ હતા. વળી તમે બંને સાળા-બનેવી થતા હતા, તે હિસાબે તમે મારા ઘણા નજીકના સગા થાઓ છો. વળી મારા દાદા અર્જુન તમારા પરમપ્રિય ભક્ત હતા અને તેમનો રથ પણ તમે હાંકેલો અને ખુદ મારી પણ તમે ગર્ભવાસમાં ક્ષા કરેલી, માટે આપ સર્વશક્તિમાન હોવાથી આપની લાગવગથી મને મારા ગુનાની શિક્ષા ન મળે તેવું કરો. જીવનમાં આ માટે પહેલો જ ગુનો છે ભવિષ્યમાં ફરીથી આવો ગુનો કો નહિ સોગંદનામ કરું છું. માટે આટલો વખત મને જતો કરો તો હું આપ કહેશો તેટલો અઢળક ખર્ચો કરીને આપ ખુશ થાઓ તેટલો ધર્માદો કરીશ. ભગવાન પાસે લાગવગશાહી કે લાંચરુશ્વતખોરી કર્મના કાયદાના અમલમાં ના ચાલે. પરીક્ષિત મોટો રાજા હતો અને તેના રાજ્યની સુપ્રીમ કૉર્ટ પણ તેને સજા ફરમાવી શકે તેમ નહોતી, છતાં પરીક્ષિતે પોતે પોતાની સામે તહોમતનામું પોકાર્યું અને સખત શિક્ષાની માગણી કરી. (તમે નસીબદાર હો અને બાપદાદાએ ઘરમાં શ્રીમદ્ ભાગવતનું પુસ્તક વસાવ્યું હોય અને છાજલીમાં પડ્યું-પડ્યું ધૂળ ખાતું હોય તો તે પુસ્તક છાજલીથી ઉતારીને, ધૂળ ખંખેરી નાખી ઉઘાડીને વાંચજો કે પરીક્ષિત ખુદ પોતાની સામે તહોમતનામું ફરમાવીને શું શિક્ષાની માગણી કરે છે.) મહર્ષિ વ્યાસ પરીક્ષિતના બોલેલા શબ્દો નીચે પ્રમાણે લખે છે ઃ

અહો મયા નીચમનાર્યવત્ કૃતમ્ । નિરાગસિ બ્રહ્મણિ ગૂઢતેજસ ||

અરેરે ! મેં એક નિરપરાધી બ્રાહ્મણ સાથે ઘણું જ નીચ, અધમ કૃત્ય કર્યું અને મારાં કરેલાં ક્રિયમાણ કર્મોના પરિણામે મારા પાપના નાશ માટે તાકીદે મને સખત શિક્ષા થાઓ, જેથી કરીને ભવિષ્યમાં હું અગર મારો દાખલો લઈને બીજો કોઈ રાજા આવો નીચ ધંધો કરે નહિ. ધ્રુવં તતો મે મૃતદેવહેલનાદ્, દુરત્યયં વ્યસનં નાતિદીર્થાત્ । તદસ્તુ કામ ત્વથનિષ્ક્રિતાય મે, યથા ન કુર્યાસ્ પુનરેવમન્ના | અધૈવ રાજ્ય બલમૃદ્ધકોશં, પ્રકોપિતબ્રહ્મકુલાનલો મે । દહતુ અભદ્રસ્ય પુનર્ન મેડભૂત, પાપીયસી ધીઃ દ્વિજદેવગોભ્યઃ ॥ અને મને શિક્ષા તરીકે બ્રાહ્મણ ઋષિના ક્રોધાગ્નિમાં મારું આખું રાજ્ય, બળ, સમૃદ્ધિ, કોશભંડારો વગેરે તાત્કાલિક બળીને ખાખ થઈ જાઓ કે જેથી કરીને બ્રાહ્મણો, દેવો, ગાયો વગેરે પ્રત્યે આવી બુદ્ધિ મને ના સૂઝે

પરીક્ષિતે પોતાના ક્રિયમાણ કર્મનું ફળ - પ્રારબ્ધ - સામી છાતીએ ભોગવી લીધું અને મોક્ષ પામ્યો. તેણે કર્મના ફળમાંથી છટકવા લાગવગશાહીનો ઉપયોગ ના કર્યો - ઉપયોગ કર્યો હોત તોપણ કર્મ ફળ આપ્યા સિવાય છોડત નહિ. ૮. ધરમીને ઘેર ધાડ, અધર્મીને ઘેર વિવાહ:

કર્મનો અટલ સિદ્ધાંત છે કે જેવું વાવો તેવું લણો, જેવું કરો તેવું પામો, જેવી કરણી તેવી પાર ઉતરણી - જો જસ કરઈ સો તસ ફલ ચાખા.' પરંતુ આપણો બધાનો પ્રત્યક્ષ અનુભવ એવો છે અને આપણે નજરોનજર એવું જોઈએ છીએ કે જે માણસ ન્યાય, નીતિ અને ધર્મથી ચાલે છે તે આ જગતમાં દુઃખી થતો જ દેખાય છે. અધર્મ-અનીતિ કરે છે, કાળાંબજાર-લાંચરુશવત કરે છે તેને ઘેર બંગલા, મોટર, વગેરે સુખ- સમૃદ્ધિ હોય છે. આવું જોઈએ છીએ ત્યારે ઈશ્વર ઉ૫રથી આપણી શ્રદ્ધા ડગી જાય છે અને કર્મના કાયદામાં કાંઈક ગરબડ હોય તેવું લાગે છે અને તેથી સુખ મેળવવાની આશામાં આપણે પણ અનીતિ-અધર્મથી પૈસા પ્રાપ્ત કરવા પ્રેરાઈએ છીએ. આ એક ભયંકર ગે૨સમજ છે. પુણ્યનું ફળ હંમેશાં સુખ જ હોય છે અને પાપનું ફળ હંમેશાં દુ:ખ જ હોય છે. તેમ છતાં જે માણસ પાપ કરતો હોવા છતાં સુખ ભોગવતો દેખાય તો તે સુખ તેનાં હાલનાં પાપકર્મોનું ફળ નથી, પરંતુ તેણે પૂર્વે કરેલાં પુણ્યકર્મો જે સંચિતમાં જમા પડ્યાં હતાં તે પાકીને પ્રારબ્ધરૂપે તેને સુખ આપતાં હોય છે અને હાલનાં પાપકર્મોને ત્યાં સુધી ફલિત થવામાં વિલંબ કરવો પડે છે. પરંતુ જ્યારે તેનાં પૂર્વેનાં પુણ્યકર્મોનું બનેલું પ્રારબ્ધ વપરાઈ જશે કે તરત જ તેનાં પાપકર્મોનું પાકેલું ફળ (દુઃખ) પ્રારબ્ધરૂપે સામું આવીને તેનું દુઃખ ભોગવાવશે. જ્યાં સુધી પૂર્વે કરેલું પુણ્ય તપે છે, ત્યાં સુધી કેટલીક વખત હાલમાં કરાતાં પાપકર્મો હુમલો કરતાં નથી.

કબીરા તેરા પુન્યકા, જબ તક હૈ ભંડાર, તબ તક અવગુણ માફ હૈ, કરો ગુનાહ હજાર.પરંતુ

પુણ્ય પૂર્વેનું ખાતાં હમણાં સૂઝે છે તોફાન, પણ એ ખર્ચી ખૂટે કે આગળ વસમું છે મેદાન. જીવડા માન માન રે માન, હજીયે કેમ ના આવે સાન ?

જ્યારે હાલમાં ન્યાયનીતિથી ચાલનારો માણસ કદાચ દુઃખી થતો દેખાતો હશે, પરંતુ તેણે પૂર્વે કરેલાં પાપકર્મો સંચિત કર્મોમાં જમા થયેલાં તે પાકીને પ્રારબ્ધરૂપે સામે આવીને ઊભેલાં છે તેથી તે હાલ દુઃખી છે. હાલમાં ન્યાયનીતિથી કરેલાં કર્મો કાળે કરીને પાકશે ત્યારે તે સુખના સ્વરૂપમાં પ્રારબ્ધરૂપે આવીને તેને જરૂર મળશે જ. એટલે તેણે કર્મના કાયદામાંથી શ્રદ્ધા ડગાવીને, ન્યાયનીતિ છોડીને અધર્મનું આચરણ ન જ કરવું.

ગામડાંમાં અનાજ ભરવાની મોટીમોટી કોઠીઓ હોય છે. તેમાં ઉપરથી અનાજ નાખવામાં આવે છે અને કોઠીની નીચે એક બાકોરું હોય છે, તેમાંથી જોઈતું અનાજ કાઢવામાં આવે છે. તમારી કોઠીમાં ઘઉં ભરેલા છે અને મારી કોઠીમાં કોદરા ભરેલા છે. હવે હાલમાં તમે તમારી કોઠીમાં ઉપરથી કોદરા નાખતા હો તોપણ કોઠીના નીચેના બાકોરામાંથી ઘઉં જ નીકળે અને હું હાલમાં મારી કોઠીમાં ઉપ૨થી ઘઉં નાખતો હોઉં તોપણ જ્યાં સુધી મારી કોઠીના કોદરા પૂરેપૂરા ખલાસ ના થાય ત્યાં સુધી તે કોઠીના નીચેના બાકોરામાંથી કોદરા જ નીકળે; પરંતુ મારે અકળાવાની જરૂર નથી. જ્યારે તમારી કોઠીમાં ઘઉં પૂરા થઈ જશે એટલે પછી તમારે કોદરા ખાવાનો વખત આવવાનો જ છે તે ચોક્કસ છે; અને મારી કોઠીનાં પહેલાં સંચિત થયેલા કોદરા ખલાસ થઈ જશે, એટલે મેં હાલમાં નાખેલા ઘઉં આવવાની શરૂઆત થશે જ. પછીથી તમે જ્યારે કોદરા ખાતા હશો ત્યારે હું ઘઉં ખાતો હોઈશ; પરંતુ તે માટે થોડી ધીરજ અને ઈશ્વર ઉપર શ્રદ્ધા અને કર્મના કાયદામાં વિશ્વાસ રાખવો જોઈએ.

બૅન્કનો મૅનેજર મારો નિકટનો સગો થાય છે અને તેની સાથે મારે ઘણો જ મીઠો સંબંધ છે, છતાં હું માત્ર પાંચ જ રૂપિયાનો ચેક બૅન્કમાં મોકલું તો તે સ્વીકારાતો નથી, જ્યારે તમારે તે બૅન્કના મૅનેજર સાથે  સખત દુશ્મનાવટ હોવા છતાં પણ તમારો હજારો રૂપિયાનો ચેક પણ તે સ્વીકારે છે, કારણ કે મારી પાસે બૅન્કના એકાઉન્ટમાં સંચિત બૅલેન્સ જ નથી, જ્યારે તમારી મોટી રકમ સંચિત બૅલેન્સમાં જમા પડેલી છે. તેથી મારે બૅન્કના મૅનેજ૨ પર ખોટું ન લગાડાય, પરંતુ મારે કેડ બાંધીને મારાં પુણ્યકર્મો સંચિતમાં જમા કરાવવા સતત પ્રયત્ન કરવો જોઈએ. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

Prem ni shodh ma/dhaashu news

મારી અડધી જીંદગી સુધી મે પ્રેમ ની તલાશ માં વિતાવી નાખી....મારું બચપણ અને જવાની પ્રેમ ની શોધ માં ગઈ..

થુવર ગામ ની વિદ્યાર્થી ની ઓ ને ખુબ ખુબ અભિનંદન

Solanki Manoj Bhai 8401523670 વડગામ તાલુકાના થુવર ગામ આવેલ KGBV શાળા માંથી આવેલ (1) ડાભી સીતા બેન..(2) પ્રજાપતિ ખુશ્બુ બેન..(3)વાઘેલા સોનબા....